પરચા
૧. નાના લીલીયાના વતની આંબલીયા રાઘવભાઇ હિરજીભાઇને ત્યાં ચાર દિકરા થયા પણ એકેય હાથ પર રહ્યા નહી. પછી તેમણે દાણવાદાદાની માનતા માની અને બાધા લીધી અને તેમને દાદા શરીરમા પ્રવેશ કરી વચન આપેલ કે તારે ત્યાં દિકરાનો જન્મ થાશે અને તેના કપાળમાં લાલ ત્રિશુલ, છાતી પર કાળુ ત્રિશુલ અને બન્ને કાન વીંધેલા હોય તો માનજે કે દાણવાવીરે દિધેલો છે.
૨. બગસરાના રહીશ ઉકાભાઇ પોપટભાઇને ત્યાં સંતાનમાં બે દિકરી હતી ત્યાર બાદ સંતાન ન હતું. તેમણે શિહોર દાણવાદાદાને માનતા માનેલ અને બાધા રાખેલ. તેમના ઘેર દાણવાદાદાએ દિકરો આપેલ છે અને તેમની નિશાની દિકરાની પીઠ પાછળ નવ ઇંચ લાંબી ચોટલી છે. દાદાએ ઉકાભાઇના ઘેર લીલા લહેર કરાવી દીધા છે.
૩. ખારીના રહીશ ભીખાભાઇ માવજીભાઇના ૧૮ વર્ષનો દિકરો બગસરા ગયેલ ત્યારથી અચાનક ગુમ થયેલ. પાંચ દિવસ સુધી શોધખોળ કરી પણ ક્યાંય પતો લાગ્યો નહી ઘણો ખર્ચ થઇ ગયો. પછી તેઓ બગસરા ઉકાભાઇ પાસે ગયા તેમણે દાણવાદાદાના દાણા આપ્યાં અને ધુણી ને કહ્યું, તારા દિકરાને જુનાગઢના સાધુ ઉપાડી ગયા છે અને એક માસની અંદર તેના સમાચાર કે પત્ર આવે તો માનજે કે દાણવાવીર બોલ્યા તા. ત્યાં તો ૨૧ માં દિવસે પત્ર આવ્યો તેમાં લખ્યું હતું કે, મને ગીરનારની તળેટીમાં સાધુ ઉપાડી લાવ્યા છે અને મને અહીથી નિકળવા દેતા નથી. તેથી અહીથી જુનાગઢ પાંચ વ્યક્તિ ગયા અને ૨૫ માં દિવસે તેમના દિકરાને ગીરનાર તળેટીની ગુફામાંથી લઇ આવ્યા.
૪. મારૂ નામ નાનજીભાઇ જીવરાજભાઇ રે.મોટી કુંકાવાવ તા.૨૧-૦૬-૧૯૮૮ને મંગળવારના મારા ઘર ઉપર આફત આવી પડી. કોઇપણ કારણ વગર મારા દિકરાની પોલીસ ખાતાએ ધરપકડ કરી લીધી. ઘણી કોશિષ કરતા નિરાશ થઇ પાછા ઘેર આવવું પડ્યું પછી સાંજના ૮:૦૦ કલાકે દાણવાવીર દાદાને યાદ કરીને માનતા માની અને બાધા લીધી કે દાદા સવાર સુધીમાં મારા દિકરાને તમો લાવી આપો, નહિતર તમોને પુંજશુ નહી. એવામાં રાત્રીના સમયે ફોન આવ્યો કે તમારા દિકરાની અમે ધરપકડ કરીને લાવ્યા છીએ, અમારે ઉપરથી અમારા સાહેબનું દબાણ હતું એટલા માટે. પણ તમારો દિકરો ગુનેગાર નથી અને અહીયા ગેસ્ટ હાઉસમાં રોકાયેલ છે અને સવારમાં ઘેર આવી જશે. સવારના છ વાગ્યામાં દાદાની કૃપાથી મારો દિકરો ઘેર આવી ગયો.
૫. હું વાલજીભાઇ નરશીભાઇ રે.મોટી કુંકાવાવ સને ૧૯૯૦ સાલમાં અમો ધંધા અર્થે ગુજરાતમાં ભરૂચ જીલ્લામાં ગયેલ ત્યાં પહોંચતા જ ત્રીજા દિવસે જોરદાર વાવાજોડા સાથે ભારે વરસાદ પડ્યો તેમાં અચાનક મારા પિતાશ્રી અતિ વધારે પડતાં બિમાર પડવા લાગ્યાં. તેમને ત્યાંથી રાજપીપળા હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાંથી વડોદરા દવાખાને લઇ ગયા ત્યા પણ કાંઇ પુરતો ઇલાજ થયો નહી અને ત્યાના ડોક્ટરોએ કહ્યું કે તમો દર્દીને રાજકોટ હોસ્પિટલમાં લઇ જાવ. અમે લોકો બહુ મોટી મુસીબતમાં મુકાય ગયા. હવે શુ કરશુ? ક્યાં જાશુ?….વગેરે ઘણા બધા અનેક વિચારો થવા લાગ્યા. એવામાં શિહોર ગામે બોખલી વાવમાં બિરજતા આંબલીયા પરીવારના ઇષ્ટદેવશ્રી દાણવાવીર દાદાને યાદ કરીને માનતા માની અને થોડી જ વારમાં ચમત્કાર થયો અને મારા પિતાશ્રીને અતિ વામીટ (ઉલ્ટી) થવા લાગી અને ત્યાર બાદ કોઇપણ જાતની બિમારી રહી નહી અને ત્યાથી અમે ધંધાના સ્થળ પર આવ્યા અને દાદાની દયાથી અમોએ છ માસ ધંધો કર્યો અને આનંદથી કુંકાવાવ ગામે હેમખેમ ઘેર પહોંચી ગયા.
આવા તો દાણવાવીર દાદાએ અનેક પરચાઓ પુરેલા છે. અને આજના આ ઘોર કળીયુગમાં જે કોઇ પણ દાદાને સાચી શ્રધ્ધા અને સાચા દિલથી યાદ કરો તો તેમના દુખ ભાંગવા દાદા દોડીને આવે છે.