પ્રસ્તાવના

કહેવાય છે કે, ધર્મક્રિયા એ આત્મા જાગ્રુતિની ક્રિયા છે. પવિત્ર, નિર્મળ અને શુધ્ધ ધર્મનું તેજ અને સમૃધ્ધ માનવીનો પ્રભાવ દરેક ક્ષેત્રમાં પ્રકાશી ઉઠે છે. એવું દિવ્યભૂમિ ભાવનગરના ખોળામાં રમતા બાળક જેવું શિહોર ગામ, દેવગાણાનો રસ્તો, બોખલી વાવ ઉપર દાણવાવીર દાદાનું જલજલાટ મંદિર આજના કળીકાળમાં ધર્મનો પ્રકાશ પાડી રહ્યુ છે. એમની મજા માણવી હોય તો રૂબરૂ દર્શન કર્યાથી જ ત્યાંની દિવ્યતાનો અનુભવ માણી શકાય એવી આ બોખલી વાવની અંદર દાણવાવીર દાદાએ વાસ કર્યો, ત્યારથી માંડીને આજ સુધી શ્રધ્ધાળુઓના દાદાએ કષ્ટ કાપ્યા છે, મંદિરની પૂર્વ તરફ સુર્યનારાયણ સપ્ત ઘોડાના રથ સાથે નિકળી પવિત્ર રામાપીરનું રૂમજુમતું મંદિર પશ્વિમ દિશામાં જુઓ તો હનુમાન ધારા, બ્રહ્મકુંડ જે મહારાજા સિધ્ધરાજે બંધાવેલ છે બહુ પવિત્ર કુંડમાંનો આ એક છે. ઉતર દિશામાં જોઇએ તો સર્વેશ્વરી માતા જગદંબા શિહોરી માતાનું ભવ્ય મંદિર ધર્મ ધજા લહેરાવી રહ્યુ છે. વળી એ ગામનું નામ શિહોર છે જે માતા શિહોરી માતાના નામ સાથે છે. અને દક્ષિણ તરફ નજરુ કરો તો ત્યા હરી હરની હાંકલુ સંભળાવતુ સુંદર મજાનું સદાવ્રત ચાલે છે. અને બરોબર આવા અડીખમ ધર્મક્ષેત્ર વચ્ચે બોખલી વાવ ઉપર દાણવાવીર દાદાનું મંદિર છે એ વીર દાણવો દાદો જેણે ભુલા પડેલા ઘણાએ ભવસાગરના માનવીઓને ધર્મના પંથે ચડાવેલ છે. અને અગણિત પરચાઓ પુર્યા છે તેથી જ તે દાદાને સ્થાનકે માનતાઓની આજ વણજાર ચાલે છે. દાદાના મંદિર પર પારેવડા પાંખુ ફેલાવીને વિસામો કરે છે. સાંજ સવાર દાદાની શોભાનું અલભ્ય દર્શન જોવા મળે છે.