દાણવાવીર દાદાનો ઈતિહાસ

માનવ જ્યારે પાપ કે અન્યાય કરવા તત્પર થાય છે ત્યારે તે જરાયે સમજતો નથી કે જે કાંઇ તે કરી રહ્યો છે તેનું પરિણામ પણ તેમણે જ ભોગવવાનું છે.

આવા દક્ષ પ્રજાપતિએ અવિચારી હવનનું આયોજન કર્યુ અન્ય દેવોની જેમ તેમણે જમાઇ હરાસંકટના સહાયક, દરેકની લાજ રાખનાર, દિન દયાળુ ભોળીયો રાજા શિવજી મહાદેવને આવા શુભ અવસર પર આંમત્રીત કર્યા નહી પરીણામ એ આવ્યું કે, ઉમીયાએ આવી તે યજ્ઞમાં પડતું મૂકી તેના શરીરની આહુતી આપી આની જાણ શિવજીને થતાં ભોળીયાની ભયંકરતા એ માજા મુકી તેમણે સસરા દક્ષને ત્યાં આવી સતી ઉમીયાનુ સબ ખંભે ચડાવી તાંડવ નૃત્ય આદરી દિધુ અને ગગન ચુંબી જટા ફેરવીને ખંખેરતા તે દાણવાવીરની આગેવાની તળે બાવન વીરે ભદ્રો ઉત્પન્ન કર્યા અને સૃષ્ટિ સંહારનો આદેશ આપી દીધો દાણવાવીર દાદા સાથે બાવન વીર ભદ્રો ભેરવોએ શિવ દ્રોહીઓનો ખાત્મો કરી નાખ્યો. શિવજી મહારાજના ક્રોધનો જ્વાળામુખી શાંત કરવા વિષ્ણુએ સુદર્શન ચક્ર ચલાવી શિવજીના હાથમાંથી માતાજીનું સબ નીચે પાડી દિધુ તેના ભાગ કરી નાખ્યાં, તે ભાગ શરીરના અવયવો જે જે સ્થળે પડેલા ત્યાં શક્તિ પીઠો સ્થપાઇ. બ્રહ્મા, વિષ્ણુ અને અન્ય દેવ દેવિઓએ મળી શિવજીને પ્રાથનાઓ કરી, સ્તુતિ કરી, પરીણામે ખુબ વિનવી શાંત પાડી તેમના હાથે થયેલ સૃષ્ટિનું સર્જન આમ નષ્ટ ન કરવા વિનવ્યા ત્યારે શિવજી મહારાજે દાણવાવીર દાદા સાથે બાવન વીર સંગાથે લીધા અને દાણવાવીર દાદાને કહ્યું કે બેટા દાણવાવીર તમો બાવન વીર ભદ્ર યોધ્ધા સાથે સંસારની રક્ષાનું કાર્ય કરો, દિન દુખીયા ભગત જનોની સહાય કરો. હું પણ હંમેશા તમારાથી અલગ નથી. તમારી સાથે જ છું. માટે ચાલો મારી સાથે આપણે સૌ ગીરનાર ગરવો ધણી છે ગરવો કેમ કે, તે સ્થળે જતા આ શરીરના મનમાં જે ગર્વ છે તે શાંત થાય છે. માટે સૌ ચાલો ગીરનારે જઇએ. ત્યાથી ચાલતા ચાલતા શિવજી મહારાજ દાણવાવીર દાદા, બાવન વીર ભદ્રો અને અન્ય સિધ્ધ મહાત્માઓ શિહોર ગામે દેવગાણાના રસ્તે બોખલી વાવે ઉતારો કર્યો. રાત્રીની રંગત જામી છે, બરોબર ઠંડી હવાની લહેરખી સાથે ચાંદાનો પ્રકાશ તાલ મિલાવી રહ્યો છે. તે વખતે બોખલી વાવમાં માત્ર એક અટ્ટહાસ્ય સંભળાયું, દાણવાવીર દાદાએ રમકીને જોયું ત્યાં કુવામાંથી એક પ્રેતરાજની આકૃતિ બહાર નિકળી અને તેણે દાણવાવીર દાદાને પડકાર્યા અને દાદાને ડરાવવાની અનેક યુક્તિ કરી પણ દાદા કાંઇ જવાબ આપતા નથી. ત્યારે પ્રેતરાજે હસતાં હસતાં કહ્યું તમને મારી બીક નથી લાગતી? તમે લોકો કોણ છો? દાણવાવીર દાદાએ કહ્યું કે હે પ્રેતરાજ ત્યાં પેલા જટાવાળા સુતા છે ને તે શિવજી છે, તે મારા અને આ સમગ્ર સંસારના પિતા છે. બાજુમાં જે સુતા છે તે બાવન વીરભદ્રો ભૈરવ અને સિધ્ધ મહાત્માઓ છે. તે હવે જો કાંઇ અવાજ કર્યો અને તેઓની નિંદ્રામાં વિઘ્ન નાખ્યું તો તને અહીંથી પકડીને એક ઘા ભેળો હિમાલયને પેલે પાર પહોંચાડી દઇશ માટે તું આ બોખલી વાવ મુકી જતો રહે. શિવાજી મહારાજના નામ સાંભળતા જ પ્રેતરાજે પરમ કૃપાળુ પિતામહને વંદન કરી દાણવાવીર દાદાની આજ્ઞા લઇને આ સ્થળને (બોખલી વાવ) હંમેશને માટે છોડી દીધું. આ બાજુ દાણવાવીર દાદા વિચારે છે કે, પિતામહ શિવજી મહારાજ સાથે ક્યાં સુધી ભટકવું? તેઓ પણ માતાના વિરહમાં બેચનમાં અવસ્થામાં રહે છે અને આ સ્થાન સારૂ છે. અહીં આવતા ક્રોધાગ્ની પણ શાંત થયો છે તો હું આ બોખલી વાવમાં જ મુકામ કરી માનવ કલ્યાણના કાર્ય કરવા આમ વિચારે છે. ઉષા રાણી વિદાય થતા સુર્યદેવનો રથ ગગનમાં પ્રવેશે છે.

સુર્યોદયનો ટાઇમ થતાં ટપોટપ આભમાંથી એક પછી એક તારલાં અલોપ થાવા લાગ્યાં. શિવજી સાથે બધા જ સ્નાન, ધ્યાન, ધર્મ વિધી કરી ચાલવાની તૈયારી કરી. એ વખતે દાણવાવીર દાદાએ શિવજી પિતામહને પોતાની મનો વ્યથા કહી સંભળાવી કે હે પિતામહ ! આ ભોમકા એ આવતાં શાંતિનો અનુભવ થયો છે તો આપ કૃપા કરી મને અહીં મુકામ કરવાની આજ્ઞા આપો. શિવજી મહારાજ તો ભોળીયો બાદશાહ, હસ્તે ચહેરે પુત્રની ઇચ્છા પારખી કહ્યું “ દાણવાવીર ” તું વીરોમાં શ્રેષ્ઠ છે, તું અહીંયા વાસ કર હંમેશા હું તારી સાથે જ છુ. આમ, અંતરના આશિષ આપી શિવજી મહારાજ સાથે બાવન વીરભદ્રો તથા મહાત્માઓ ગરવા ગીરનાર તરફ જતા રહ્યા અને ત્યાં નિવાસ કર્યો એટલે જ કહેવાય છે કે,

 

“ સોરઠ અમીણી જગજુની ગઢ જુનો ગીરનાર,
સાવજડા સેંજણ પીએ, જેના નમણા નર ને નાર ”

 

આવી બહુરત્ના વસુંધરાના મુકુટમણી જેવો સોરઠ દેશ કે, જ્યાં સંત સુરા નિપજાવતી
મારી સોરઠ રતનની ખાણ.

ત્યારે આ બાજુ દાણવાવીર દાદાએ બોખલી વાવના ઉકળતા જળને શાંત કરી તેમાં ગંગા, ગોમતી, યમુના, સરસ્વતી આદિ પ્રવિત્ર જળનો સમાગમ કરાવી જળને પવિત્ર કર્યુ અને ત્યાં વાસ કર્યો.

• આંબલીયા પરીવારમા દાણવાવીર દાદા ક્યારથી પુજાવા લાગ્યા ?

વિક્રમ સંવત બસો પંચોતેરમાં (૨૭૫) આંબલીયા લાખાભાઇ કાળાભાઇના બે પુત્રો અચાનક ગુમ થયા અને ગામોગામ ખુંદી વળવા છતાં આંબલીયા કુટુંબના આ બન્ને પુત્રોનો ક્યાંય પતો મળતો નથી. છતાં તેમના મનમાં આશા બંધાયેલી કે મારા બન્ને પુત્રો એક દિવસ જરૂરથી મળશે. કેમ કે આશા પર નરનાર તો શું સારો સંસાર પોતાની જાતને ટકાવી રાખતો હોય છે. હદયમાં હિંમત રાખી લાખાભાઇ કાળાભાઇ આંબલીયા પુત્રોની શોધખોળ પાછળ બાવરા જેવા બની ગયેલા જ્યાં-ત્યાં ભટકતાં હતા.

એક દિવસ એવું બન્યુ કે, ભાવનગર જીલ્લામાં શિહોર ગામે રાત્રીના ઓછાયા તળે દેવગાણાના રસ્તે બોખલી વાવ કાંઠે વિસામો કરવા સુતા. રાત્રી જમાવટ કરી ગઇ છે. દેડકાના ડ્રાઉ-ડ્રાઉ નો અવાજ ગુંજી રહ્યો છે, તમરા ત્રાઉ-ત્રાઉ બોલી રહ્યા છે, શિતલ મંદ સુગંધી પવન વાય રહ્યો છે, શરદ પુનમની રાત્રી જામી છે, અંધેર પછેડી ઓઢીને રાત રાણી જાણે ફરવા નીકળી હોય. આવા વાતાવરણમાં બોખલી વાવ કાંઠે લાખાભાઇનાં ઉકળતા જીવને આ સ્થળે શાંતિનો અહેસાસ થયો. નિંદર આવી ન આવી ત્યાં સફેદ લીબાજમાં એક આકૃતિ કુવામાંથી બહાર આવી અને લાખાભાઇ સમક્ષ ઉભી રહી. લાખાભાઇ ને કહ્યું ભાઇ ડરીશ નહી અત્યારે આવા અવાવરૂ અઘોચર વચ્ચે સુવાનું કારણ શુ છે? લાખાભાઇના હદયનાં ધબકારા હળવે હળવે શાંત થયા એટલે પુછયુ આપ કોઇ મહાપુરૂષ સમાન કોણ છો? આ બોખલી વાવમાં રહુ છું અને મારૂ નામ “ દાણવાવીર ” છે. પણ તું અહી શા માટે સુતો હતો. ત્યારે લાખાભાઇ આંબલીયાએ પોતાનું સંકટ સંભળાવતા કહ્યું કે દાદા મારા બન્ને પુત્રો માટી ખોદવા ગયેલા તે ગુમ થયા છે, એથી હું મારા બન્ને પુત્રોને શોધવા માટે જ્યાં ત્યાં ભટકું છુ. પણ ક્યાંય એ પતો લાગતો નથી. દાણવાવીર દાદાએ ધ્યાન ધરી ધ્યાનાવસ્થામાં આખી વાતનો સાર કાઢી લીધો અને લાખાભાઇને કહ્યું, બેટા તારા બન્ને પુત્રો જુનાગઢની જેલમાં છે. તમારૂ આ દુ:ખ ભાંગુ અને તમારા બન્ને પુત્રોને દિવસ ઉગ્યા પહેલા અહીં તમારી પાસે હાજર કરૂ. પણ હું કહું તેમ તમારે કરવું પડશે. હું આ બોખલી વાવનો દાણવાવીર દાદો છુ અને તમારે મને વંશ પરંપરા પુંજવો અને પહેલ દિકરાના જન્મ વખતે અહીં બોખલી વાવે પગે લગાડવા આવવું અને નિવૈધમાં ખીચડો અથવા વડી(કડા) કરવા. આ વાત તને મંજુર હોય અને આ રીતે તારા વંશને કબુલ હોય તો તારા સંકટ પલવારમાં દુર કરૂ. આ સાંભળતા લાખાભાઇએ કહ્યું, દાદા આ વાત મને તથા મારા વંશવારસને માન્ય છે. ત્યાર પછી દાણવાવીર દાદાએ સિંહ જેવી ડણક મારી જુનાગઢ તરફ પ્રયાણ કર્યુ.

એવો હાલ્યો રે ધીંગાણે દાદો દાણવો,
બાવન વીરને કરી છે હાકલ રે ભરોસાનો ભેરૂ
હાલ્યો રે ધીંગાણે દાદો દાણવો,

એવા માર્યા રે અસુર મેલા મનના
પટા જાટકી પડ્યો રણ મેદાન રે ભરોસાનો ભેરૂ
હાલ્યો રે ધીંગાણે દાદો દાણવો,

એવા જેલના તાળા દાદાએ તોડીયા
ફોડ્યા છે કાંઇ શીશ મહેલના કાચ રે ભરોસાનો ભેરૂ
હાલ્યો રે ધીંગાણે દાદો દાણવો,

લાખા આંબલીયાના પુત્રોને છોડાવ્યા
ઉરમાં લઇને પડીયા શિહોરને પંથે રે
હાલ્યો રે ધીંગાણે દાદો દાણવો,

એવા દાદા દયાળું દયા દાખવજો
બાળ “ સુર બરદાઇ ” ગુણલા ગાય રે ભરોસાનો ભેરૂ
હાલ્યો રે ધીંગાણે દાદો દાણવો,

 

આસો માસની મેઘલી રાત ગળતી જાય છે. દાદા બન્ને પુત્રો લાખાભાઇને સોંપે છે. લાખા કાળા આંબલીયા તેના પુત્રોને જોતા તો જાણે વરસ વરસના વિજોગી વાદળા આભમાં જાણે અણધાર્યા સામા મળ્યાં હોય એમ એક બીજાને ગળે બાથ ભીડીને મળે છે. નયનમાંથી પ્રેમનાં આંસુ નિતરતા હોય. કહેવાય છે કે ત્યારથી દાણવાવીર દાદા આંબલીયા કુળમાં પૂંજાય છે.

• કુંભારીયા (કચ્છ) ગામે દાદાની ખાંભી

“ શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત

વર્ષામાં વાગડ ભલો, કચ્છડો બારે માસ”

 

કહેવાય છે કે, આવી કચ્છની દિવ્યધરાની જાત્રા કરવા નિકળેલા દાણવાવીર દાદા ફરતા ફરતા રણનો પંથ કાપ્યે જાય છે. એવામાં પંખીના માળા જેવડું ગામ, ગામનું નામ દેવગરા (કુંભારીયા), નદીનો કાંઠો ખુબ રમણીય સ્થાન, રાતવાસો કરવા દાદા ત્યાં રોકાયા. ધ્યાનસ્થ સમાધી લગાવી. સમાધીમાં તેમણે જોયુ કે, હવે જીવન લીલાનું કાર્ય પૂર્ણ કરી અમર પદને પામવું જોઇએ પણ જતા જતા માનવ કલ્યાણનું કોઇ મહાન કાર્ય કરી જવું આવો સંકલ્પ કરે ત્યાં દેવગરા ગામ તરફથી લોકોનો અવાજ ભિષણ રાત્રીના પડદા ચિરતો ચિરતો સંભળાયો “ બચાવો –બચાવો લૂંટારાઓ ગાયુના ધણ હાંકી જાય. ” અવાજ સાંભળતા દાદા ધમાકા દેતા ઉભા થયા બરાબર, લૂંટારાઓને ત્યાથી જ પસાર થવુ. દાણવાવીર દાદા માર્ગમા ઉભા રહી પડકાર્યા, ‘ ખબરદાર ’ ચાંદાના પ્રકાશમાં દાદાને જોઇને કાચીપોચી છાતીના લૂંટારા ધ્રુજવા માંડ્યા. ઘણા લૂંટારાઓ દાદા પર ટૂટી પડયા એક સામટી કેટલીયે તલવારના ઝાટકા દાદા પર પડ્યા. ભુતનાથ ભૈરવ જેવા લૂંટારાઓને દાદાએ શસ્ત્રો સહિત પકડી પકડીને લુંગડા નિચોવે એવી રીતે નિચોવી નાખ્યાં.

બાર બાર વર્ષના વિજોગી માણસ બાથુ ભરી ભરીને મળે એ રીતે દાદાએ તો એક પછી એકને બથુ ભરીને કચરી નાખ્યાં. અમુક લૂંટાર બચ્યા પણ હાથ-પગ ભાંગેલા. તો આ બાજુ દેવગરા ગામના માણસો ત્યા આવી પહોંચ્યા. દાદાએ એકલા અને એ પણ શસ્ત્રો વગર આટલા બધા લૂંટારઓનો સામનો કર્યો. ચારે તરફથી દાદાને લોકોએ ઘેરી લીધા. અસંખ્ય ઘા પડેલા પર પાટા પીંડી કરવા લાગ્યા. દાદાએ કહ્યુ, દેવગરા ગામની ગાયુ તો સલામત છે ને ભાઇઓ? બધાએ હા પાડી અને દાદાએ છેલ્લા શ્વાસ ખેંચ્યા. સિહોર તરફ મીટ માંડી, પણ ત્યા તો પ્રાણ પંખેરૂ અમર પંથને માર્ગે પડ્યું. ગામના લોકો બોલી ઉઠયા “ ધન્ય છે, ધન્ય છે દાદા દાણવાવીર તારી બહાદુરીને, તને તો જીવતાએ આવડ્યુ અને મરતાયે આવડ્યુ. આજે દેવગરા (કુંભારીયા) ગામે કચ્છમાં દાદાની ખાંભી પુજાય છે. અષાઢ સુદ ૫ (પાંચમ) ના દિવસે દાદાની તિથી ડાંગર પરીવાર (આહીર) દ્વારા ઉજવવામાં આવે છે.